રાજકોટના એડવોકેટ મેહુલ ત્રિવેદીએ 3 વર્ષ પહેલાં વસૂકી ગયેલી ગાયો માટે ગૌશાળા શરૂ કરી આવી ગાયોને કતલખાને જતી અટકાવવાનું નવું અભિયાન હાથ ધર્યું છે અને હાલમાં દૂધ ન દેતી હોય તેવી 35 જેટલી ગાયનો પોતાની આવકમાંથી તેઓ નિભાવ કરી રહ્યા છે.
રાજકોટમાં રહીને વકીલાતના વ્યવસાયની સાથોસાથ છેલ્લા 10 વર્ષથી ગાયોની પણ સેવા કરતાં એડવોકેટ મેહુલ ત્રિવેદીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે ગાયો દૂધ દેતી બંધ થઇ જાય છે તેને માલધારીઓ અથવા તેના જે માલિકો ત્યજી દયે છે અને બાદમાં આ ગાયો કાં તો કતલખાને જાય છે અથવા તો મહાનગરપાલિકાના ઢોર ડબ્બે પૂરી દેવામાં આવે છે અને તેની હાલત વધુ દયજનક બની જાય છે.

10 વર્ષથી મેહુલ ત્રિવેદી ગાયોને બચાવવા અભિયાન ચલાવે છે
આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યાનું ધ્યાનમાં આવતા ગાયોને બચાવવાનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય 2022માં કર્યો હતો અને તેના ભાગરૂપે શીતલ પાર્ક પાસે આર કે વર્લ્ડ વાળી શેરીમાં મહાનગરપાલિકા પાસેથી ઢોર ડબ્બામાં ગૌશાળા માટે 70 બાય 30નો એક શેડ રાખ્યો હતો અને ત્યાં મારા દાદી રૂક્ષ્મણીબેન રવિશંકર ત્રિવેદી એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈમિષારણ્ય ગૌશાળા શરૂ કરી છે.
1000 ગાયની ગૌશાળા બનાવવાનું સ્વપ્ન ભવિષ્યમાં કલેક્ટર તંત્ર તરફથી જો અમારી સંસ્થાને ગૌશાળા માટે જમીન ફાળવવામાં આવે તો દૂધ ન દેતી હોય તેવી 1000 ગાય માતાઓ માટે ગૌશાળા બનાવવાનું આયોજન છે. ગાયોના નિભાવ માટે પોતાની આવકમાંથી દર મહિને 60 હજારનો ખર્ચ કરે છે.