સબંધો દોરી જેવા ગણાય છે. એમાં ગાંઠ પડે તો તેને ઉકેલવાનો પ્રયાસ કરવો, પણ ગાંઠ કાપવી નહીં. ગાંઠ કાપી નાખવી એ છેવટનો, છેલ્લો ઉપાય છે. પછી બધું પૂર્વવત કરવાની કોશિશ કરીએ તોપ ફરી ગાંઠ તો રહી જ જાય.
મનમાં પણ એવી ગાંઠ રહે કે આપણે કશુંક ગુમાવ્યું. સંબંધોની જેમ, આપણી ડિજિટલ ફાઇલ્સ કે ડિજિટલ પ્રોગ્રામ્સ પણ એવા છે, જેમાં કંઈક ગૂંચ ઊભી થાય તો તરત છેવટનો ઉપાય – બધું રિસેટ કરી નાખવાનો ઉપાય – ન અજમાવવો. હવે લગભગ બધી સારી સર્વિસ રિસેટ પહેલાંનો, રિસ્ટોર કરવાનો વિકલ્પ આપતી હોય છે.
સાધન કે સર્વિસનું એકાઉન્ટ રિસેટ કરવું એટલે બધું સાવ ભૂંસીને એકડેએકથી શરૂઆત કરવી. જ્યારે ડેટા રિસ્ટોર કરવો એટલે, થોડા પાછા વળીને, જે હજી સાચવી શકાય એવું હોય તે સાચવી લેવું. સાવ ડિલીટ કરવાને બદલે, રિસ્ટોર કરવું.
આપણે રોજબરોજ કામનાં ડિવાઇસ અને વિવિધ ઓનલાઇન સર્વિસમાં આવી રિસ્ટોર કરવાની સગવડ વધતા-ઓછા અંશે મળે છે. અમુકમાં, તેનું મહત્ત્વ જોઈને તેને પેઈડ ફીચર રાખવામાં આવે છે. પરંતુ ‘રિસ્ટોર’ શક્ય છે એવું જાણી રાખશો તો ક્યારેક ને ક્યારેક તમને કામ ચોક્કસ લાગશે.
જેમ સ્માર્ટફોનને આપણે ફેક્ટરી રિસેટ કરી શકીએ, કંઈક એ જ રીતે વિવિધ સર્વિસમાં રિસ્ટોરની સુવિધા મળે છે.
રિસેટમાં બધો જ ડેટા ગુમાવવાનો વારો આવે, જ્યારે રિસ્ટોરમાં આપણે નિશ્ચિત ડેટા પરત મેળવી શકીએ.
નીચે કેટલીક જાણીતી સર્વિસમાં મળતી રિસ્ટોરની વાત કરી છે, એ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ આ સુવિધા મળી શકે છે.

મહત્ત્વની બાબતો ભૂલથી ડિલીટ કરી? ચિંતા ન કરશો, એક મજાની સગવડ: રિસ્ટોર
કામકાજની બધી જ ફાઈલ્સને એક સાથે રિસ્ટોર કરી શકાય.
તમારા કામકાજની બધી ફાઇલ્સ તમે કયાં સેવ કરો છો? તમારા પોતાના કમ્પ્યૂટરમાં? તો તમે બહુ બે બહુ મોટી ભૂલ કરો છો! આપણી બધી મહત્ત્વની ફાઇલ્સ એક જ જગ્યાએ સેવ કરવી એ મોટી આફતને આમંત્રણ આપવા જેવું છે.
થોડા વર્ષ પહેલાં ભારતના અનેક નાના-મોટા બિઝનેસ પર રેન્સમવેરનો હુમલો થયો ત્યારે ઘણા લોકોને પોતાની ફાઇલ્સ એક જ જગ્યાએ સ્ટોર કરવાની ભૂલ અને તેની કિંમત સમજાઈ હતી. સારો રસ્તો એ કે તમે માઈક્રોસોફ્ટ વનડ્રાઇવ કે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરો (બંનેને લેપટોપ-પીસીમાં અલગ ડ્રાઇવ કે મેઈન ફોલ્ડર તરીકે ગોઠવી શકાય). પછી બધી મહત્ત્વની ફાઈલ્સ આ ફોલ્ડરમાં સેવ કરશો તો એ ક્લાઉડમાં તમારા માઇક્રોસોફ્ટ કે ગૂગલ એકાઉન્ટમાં પણ સેવ થશે.
રેન્સમવેરના એટેક સમયે તમારા લેપટોપને તાળું વાગી જાય તો પણ, કામની બધી જ ફાઇલ એક-બે ક્લિકમાં બીજા પીસીમાં એક્સેસ કરી શકાય. વનડ્રાઇવમાં તમે ડિલીટ કરેલી ફાઇલ્સ ૩૦ દિવસની મર્યાદામાં બિનમાંથી રિસ્ટોર કરી શકો. વનડાઈવનું પેઈડ સબસ્ક્રિપ્શન ખરીદ્યું હોય તો આખેઆખી વનડ્રાઇવને પાછલી કોઈ તારીખ મુજબ રિસ્ટોર કરી શકાય!
ડ્રાઈવમાં ડિલીટ કે ઓવર-રાઇટ થયેલી ફાઈલ પાછી મેળવી શકાય.
માઇક્રોસોફ્ટ વનડ્રાઇવની જેમ ગૂગલ ડ્રાઇવ પણ આપણી મહત્ત્વની ફાઇલ્સ ભૂલથી ડિલીટ થાય તો પરત મેળવવાની સગવડ આપે છે. તેમાં પણ ડિલીટ થયેલી ફાઇલ્સ બિનમાં ૩૦ દિવસ સુધી સચવાઈ રહે છે. ત્યાર પછી તે કાયમ માટે ડિલીટ થાય છે.
વનડ્રાઇવ અને ગૂગલ ડ્રાઇવ, બંને આપણી ફાઇલનાં વિવિધ વર્ઝન્સ પણ સાચવી રાખે છે અને તેમાંથી કોઈ પણ વર્ઝન પરત લાવવાની સગવડ પણ આપે છે.
મતલબ કે આપણે કોઈ મોટા ડોક્યુમેન્ટ પર એકલા કામ કરતા હોઈએ કે ટીમમાં, તો એ ડોક્યુમેન્ટ પર સતત જુદા જુદા ફેરફાર થાય. આપણે તેની વર્ઝન હિસ્ટ્રીમાં જઈને, કઈ તારીખે, કઈ વ્યક્તિએ શું ફેરફાર કર્યા તે જોઈ શકીએ. અલગ અલગ વર્ઝન સિલેક્ટ કરતા જઈએ તેમ તેમ ફાઇલમાં થયેલા ફેરફારો આપણે જોઈ શકીએ.
આપણે ઇચ્છીએ તે વર્ઝનને રિસ્ટોર કરી શકીએ. આથી, કોઈ ફાઈલમાં ભૂલથી અમુક ફેરફાર થયા હોય, કામની બાબતો પર નવું કન્ટેન્ટ આવી ગયું [ ગયું હોય તો પણ આપણે તેને પરત મેળવી શકીએ છીએ. વનડ્રાઈવની જેમ ગૂગલ ડ્રાઇવમાં આખેઆખી ડ્રાઇવને રિસ્ટોર કરવાની સગવડ નથી.
વોટ્સએપમાં બધી ચેટનો ડેટા રિસ્ટોર કરી શકાય.
વોટ્સએપની વાત આવે ત્યારે વાત આપણા કામકાજની સાદી ફાઇલ્સ જેટલી સહેલી રહેતી નથી! સારી વાત એ કે વોટ્સએપ, આપણે કરેલાં સેટિંગ્સ અનુસાર, આપણી બધી ચેટ્સનો ઓટોમેટિક બેકઅપ લે છે, પરંતુ તેને રિસ્ટોર કરવાનું કામ બહુ સહેલું નથી.
એક સમયે વોટ્સએપની સિસ્ટમ આપણી ચેટ્સના ૭-૭ બેકઅપ સાચવતી હતી. હવે ફક્ત એક બેકઅપ સાચવે છે, અલબત્ત, બે જગ્યાએ. એક બેકઅપ ફોનની જ સ્ટોરેજમાં સચવાય છે, બીજો બેકઅપ, આપણે ઇચ્છીએ તો આપણા ગૂગલ કે એપલ એકાઉન્ટમાં, ક્લાઉડમાં સચવાય છે.
આ બેકઅપ આપણે ઇચ્છીએ તે ફ્રિકવન્સીએ, એટલે કે રોજેરોજ, અઠવાડિયે કે મહિને એક વાર લેવાય છે. આપણે તેને બંધ રાખી શકીએ અથવા ગમે ત્યારે પણ બેકઅપ લઈ શકાય. તમે એન્ડ્રોઈડમાં ગૂગલ ડ્રાઈવ ઓપન કરી, તેમાં ડાબી પેનલ ઓપન કરી, તેમાં ‘બેકઅપ્સ’માં જઈને તપાસી શકો કે છેલ્લો બેકઅપ ક્યારે લેવાયો હતો.
વોટ્સએપ એપમાં, સેટિંગ્સમાં ચેટ્સ અને તેમાં ‘ચેટ બેકઅપ’માં જઈને પણ તે તપાસી શકાય. વોટ્સએપ એપ અનઇન્સ્ટોલ કરી, ફરી ઇન્સ્ટોલ કરીએ ત્યારે છેલ્લો બેકઅપ રિસ્ટોર કરી શકાય છે.
ઇન્સ્ટામાં ડિલીટ કરેલી પોસ્ટ્સ, સ્ટોરીઝ વગેરે પાછાં મેળવી શકાય.
ઇન્સ્ટાગ્રામમાં તમે નિયમિત રીતે પોસ્ટલ, રીલ્સ, સ્ટોરીઝ વગેરે શેર કરતા હો તો ક્યારેક એવું બને કે અમુક કન્ટેન્ટ વિશે તમારું મન ફરે અને તમે ઇચ્છો કે એ અન્ય લોકો ન જુએ. આવે સમયે આપણી પાસે બે વિકલ્પ હોય છે – જે તે કન્ટેન્ટ આર્કાઇવ કરીએ અથવા ડિલીટ કરીએ.
કન્ટેન્ટને આર્કાઇવ કરવાથી એ આપણા એકાઉન્ટમાંથી ડિલીટ થતું નથી, પરંતુ અન્ય લોકો તેને જોઈ શકતા નથી. આપણને એ દેખાય અને આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે તેને આર્કાઇવમાંથી રિસ્ટોર કરી શકીએ. બીજી તરફ, કન્ટેન્ટ બિલકુલ ન ગમતું હોય તો તેને ડિલીટ કરી શકાય. એ સ્થિતિમાં એ કન્ટેન્ટ ‘રિસન્ટલી ડિલીટેડ’ ફોલ્ડરમાં પહોંચે છે.
અહીંથી તેને ૩૦ દિવસ (સ્ટોરીઝના કિસ્સામાં ૨૪ કલાક) સુધીમાં રિસ્ટોર કરી શકાય. આર્કાઇવ કરેલું કે ડિલીટ કરેલું પણ અમુક સમય સુધી સચવાયેલું કન્ટેન્ટ આપણે ‘યોર એક્ટિવિટી’માં જઈને શોધી શકીએ છીએ અને ત્યાંથી તેને રિસ્ટોર કરી શકીએ છીએ.
જીમેઈલમાં મોકલેલો મેઈલ કે ડિલીટેડ મેઈલ પરત મેળવી શકાય.
જીમેઇલ (કે અન્ય મોટા ભાગની ઇમેઇલ સર્વિસ)માં બે સ્થિતિમાં આપણે ઇમેઇલ પરનો અંકુશ લગભગ કાયમ માટે ગુમાવી દઈએ છીએ – પહેલી સ્થિતિ, મગજ ઝાઝું દોડાવશો નહીં, મેઇલ મોકલી દઈએ એ સાથે તેના પરનો અંકુશ આપણે ગુમાવીએ. બીજી સ્થિતિમાં, આપણે પોતે સમજી વિચારીને, આપણા પર આવેલો કોઈ મેઈલ કે આપણે તૈયાર કરેલો ડ્રાફ્ટ ડિલીટ કરી નાખીએ.
આ બંને સ્થિતિમાં, બાજી થોડા ઘણા અંશે આપણા હાથમાં રહે છે. આપણે લખેલો અને ભૂલથી સેન્ડ કરી દીધેલો મેઇલ પાછો વાળી શકાય છે – સેન્ડ અનડુ કરી શકાય છે. એ માટે જીમેઇલના સેટિંગ્સમાં જઈને ૫ સેકન્ડથી ૩૦ સેકન્ડનો સમય નક્કી કરી શકાય, એટલી સમય મર્યાદામાં આપણે સેન્ડ અનડુ કરી શકીએ.
બીજી સ્થિતિમાં આપણે ડિલીટ કરેલો મેઇલ અન્ય ઘણી ખરી સર્વિસની જેમ ૩૦ દિવસ સુધી ‘બિન’ના ખાતે જમા રહે છે અને ત્યાંથી ઈચ્છીએ ત્યારે તેને રિસ્ટોર કરી શકીએ છીએ.પરંતુ યાદ રાખશો કે આપણે 6 લખેલો મેઇલ ડ્રાફ્ટ હોય ત્યારે તેને ડિલીટ કરીએ તો તરત, કાયમ માટે ડિલીટ થાય છે, એ બિનના ખાતે જતો નથી.
વિન્ડોઝની આખેઆખી સિસ્ટમ રિસ્ટોર કરી શકાય.
હવેની વાત જરા વધુ ટેકનિકલ છે! અત્યાર સુધી આપણે જુદી જુદી ઓનલાઇન સર્વિસ કે એપમાં રિસ્ટોરની સગવડ કઈ રીતે કામ કરે છે તેની વાત કરી, હવે મૂળ ફોન, પીસી કે લેપટોપમાં રિસ્ટોર કેમ કામ કરે છે તેની વાત કરીએ. સ્માર્ટફોનને ધારીએ તો ફેક્ટરી રિસેટ કરી શકાય, પણ એમાં જૂનું કશું પાછું મળે નહીં!
પરંતુ આપણે ગૂગલ કે એપલ એકાઉન્ટમાં ફોનનાં બધાં સેટિંગ્સ અને ડેટાનો બેકઅપ લઈ શકીએ અને પછી તેમાંથી ઇચ્છીએ તે ડેટા રિસ્ટોર કરી શકીએ. વિન્ડોઝ પીસીમાં ‘સિસ્ટમ રિસ્ટોર’ નામે એક સુવિધા છે.
મોટા ભાગે આપણા પીસીની સંભાળ રાખતા એન્જિનીયર તેનો ઉપયોગ કરતા હોય. પીસીમાં આપણે જાતભાતના પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કર્યા હોય, તો પીસીમાં નવા સોફ્ટવેર કે અપડેટના ઇન્સ્ટોલેશન વખતે કંઈક ગરબડ ઊભી થાય, તો અગાઉની તારીખની સ્થિતિ મુજબ સિસ્ટમ રિસ્ટોર કરી શકાય.
આથી આપણે કામની ફાઇલ્સ, પ્રોગ્રામ્સ વગેરે સાવ ગુમાવવાની સંભાવના ન રહે અને પીસીમાં આપણે કામના બધા પ્રોગ્રામ્સ નવેસરથી ઈન્સ્ટોલ કરવાની ઝંઝટ રહે નહીં.