ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે 14 એપ્રિલે ‘નેશનલ ડોલ્ફિન ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘ડોલ્ફિનનું મહત્વ, સુરક્ષા અને તેના રહેઠાણોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય’ તે અંગે જાગૃતિ આવે તેવા વિષયો ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે.
ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 ડોલ્ફિન જોવા મળી

ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મી.નીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે.
જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ. મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4,087 ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે.
ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન’ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે. તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે.